Saturday, August 11, 2012

વક્તવ્ય – સુરેશ દલાલ (સૌ. readgujarati)


વક્તવ્ય – સુરેશ દલાલ


( વિડિયો સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા)
[ કવિ શ્રી સુરેશ દલાલનું 'અસ્મિતાપર્વ : 2010" માં મહુવા ખાતે અપાયેલું વક્તવ્ય અહીં વિડિયો સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યું છે. આજે શ્રદ્ધાંજલિ રૂપે તેમનું આ વક્તવ્ય માણીએ.]
‘આત્મીય મોરારિબાપુ, જેમણે મારા કાવ્ય વાંચવાનું ભગીરથ કાર્ય કર્યું એવા ભગીરથ બ્રહ્મભટ્ટ, શ્રી હરીશ મીનાશ્રુ, અજિતભાઈ અને સૌ મિત્રો……… હું જ્યાંથી શીખવા મળે ત્યાંથી શીખું છું. હું અસ્મિતાપર્વમાં આવવા નીકળતો હતો ત્યારે કેટલાક લોકોએ મને શિખામણ આપી ત્યારે મેં કીધું કે ભાઈ, હું પહેલાં પણ ત્યાં જઈ આવ્યો છું. તેઓ મને કહે કે તમારે ગંભીર ચહેરો રાખવો જોઈએ, ન સમજાય એવું બોલવું જોઈએ તો લોકો તમને વિદ્વાન ગણશે !! થોડા એલિયટના ક્વોટેશન કહેવા જોઈએ તો એ લોકોને ખબર પડશે કે તમે વાંચો છો, વિચારો છો, અનુભવો છો !! તમે તમારી છાપ ઊભી કરો. મેં કહ્યું, હું ઈમ્પ્રેસ કરવા નથી જતો, એક્સપ્રેસ કરવા જાઉં છું. અહીં કોને ઈમ્પ્રેસ કરવાના ? અને જે લોકો ઈમ્પ્રેસ કરીને ચાલ્યા ગયા એ લોકો પણ કેટલું રહ્યાં ? આટલી જો અક્કલ આવી હોત તો કંઈ બહુ અર્થ નથી.
ગીત મને બહુ ગમે છે. ‘તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં……’ ગીત કંઈ ડગુમગુ ડોસીની જેમ ન ચાલે ! ઉમાશંકરે બહુ અદ્દભુત કહ્યું કે ‘અમે સુતેલા ઝરણાંને જગાડ્યું.’ જે આપણી અંદર સુતેલી વસ્તુ હોય એને જગાડવી જોઈએ. આટલી સરસ કવિતાઓની આપણા માસ્તરોએ પત્તર ધમી નાખી છે. માસ્તર પૂછશે કે કવિ શું કહેવા માંગે છે ? – અલ્યા ભઈ ! કવિ કહેવા માગતો હોત તો નિબંધ ન લખત ? આ ગીત શું કામ લખત ? કવિ કાંઈ કહેવા નથી માગતો. કવિને કંઈ કહેવું જ નથી. તમે શું કામ હેરાન કરો છો ?

મેં ‘તમે કહો તે સાચું વહાલમ…..’ એ એક ગીત લખેલું. કોઈ સ્ત્રીને લાંબાગાળાનું રાજ્ય કરવું હોય તો તે આ જ કહે. આ પરથી મને યાદ આવ્યું કે કાલે બધું અહીં ડાયસ્પોરાનું ચાલતું હતું તે હું ટીવી પર જોઈને આવ્યો છું. મારો એક પ્રશ્ન એ છે કે આપણા ક્યા ગુજરાતીઓ અમેરિકન જોડે ભળ્યા છે ? ત્યાં બેસીને કવિતા અને વાર્તા લખે છે. Do they know the American culture ? સુચી વ્યાસે બહુ સરસ કહેલું કે અહીં અમેરિકામાં તો થૂંકે ચોંટાડેલા લગ્ન છે ! એ લોકો જ્યારે લગ્ન કરે ત્યારથી જ ડાઈવોર્સ ફાઈલ કરે. ઉપરોક્ત ગીત વાંચીને મને ડો. પ્રકાશ કોઠારીએ કહ્યું કે તારું આ કાવ્ય ડિવોર્સ થઈ ગયેલા એક દંપતિને મોકલાવ્યું અને પાછા તેઓ ભેગા થઈ ગયા. મેં કહ્યું, મારે ટાગોર તો નહોતું થવું પણ મને ગોર શું કામ બનાવ્યો ! કવિતા આવુંયે કામ કરી શકે છે, જે વિવેચકોની બહારની વાત છે. મૂળ વાત મારે એ કહેવી છે કે આ અસ્મિતાપર્વ તો અસ્મિતાપર્વ છે જ પણ ખરેખર ‘સ્મિતા પર્વ’ છે એટલે કે આનંદનું પર્વ છે. કવિતાનું વાચન આનંદ આપે. વિવેચન વિદ્યાનંદ આપે. વિવેચન આનંદ તો આપવું જ જોઈએ.
કેટલીક ગમતી પંક્તિઓ વાંચું એ પહેલાં એક વાત યાદ આવે છે. આપણા કેટલા ગુજરાતીઓ ફોરેન જાય અને ત્યાં મારું ગીત ગાય. ગીત ગાય એટલું જ નહીં પણ ત્યાં મારા ગીતનો અનુવાદ કરે ! ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી વહેતું ના મેલો ઘનશ્યામ…….’ એક સંગીતકારે કહ્યું ‘Don’t flow radha’s name in your flute o shyam’ હવે આવી ખોટી રીતે ગીતને સમજાવે, પછી એ ગાય, અભણ માણસો ડોલે, એ રાજી થાય, ડોલર લાવે અને જલસા ! અમેરિકામાં ફિલ્મ જોઉં અને એમાં પછી નીચે ડાયલોગ આવે કે ‘બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં ?’ એનું અંગ્રેજી એમ કરે કે ‘Please speak, radha speak, contact possible or not ?’ આમાં અને પેલા કાવ્યના અનુવાદની અંદર મને તો કોઈ ફેર દેખાતો નથી.
ભગીરથભાઈએ જેની વાત કરી તે પેલું ‘મંદિર અને મીરાં’વાળું કાવ્ય મેં રજનીશજીને સાંભળતા લખ્યું હતું. મને આનંદ થયો કે હું એમને સાંભળવા ગયો. તેઓ એ દિવસે મીરાં વિશે બોલ્યા પણ તેઓ સારું ન બોલ્યા. મને આનંદ થયો. એનું કારણ એ છે કે જો દર વખતે દરેક માણસ સારું બોલે તો એ મશીન કહેવાય, માણસ ના કહેવાય. એ સાંભળતાં મને વિચાર આવ્યો કે મીરાં મરી હોત તો કેવી રીતે મરી હોત ? એ ડાયાબિટિશથી મરે ? એને પેસમેકર મુકવું પડે ? એને ગ્લુકોમા થાય ? એને ચાલવાની તકલીફ થાય ? મીરાં કેવી રીતે મરે ? જસ્ટ ઈમેજિન ! મીરાંને પણ સહી કરવાનું મન થાય એટલી ખાત્રી પૂર્વક કહું છું કે, ‘ઘૂંઘટ પટની ઘૂંઘરિયાળી વાત ગગનમાં ગૂમ થઈ……એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ…..’ મીરાં આમ જ મરે. એ બીજી કોઈ રીતે મરી ન શકે.
હું ફિલાડેલ્ફિયામાં હતો ત્યારે કોઈએ મને ‘ગુડમોર્નિંગ’ કહ્યું. એ વખતે મને થયું કે મીરાંને કોઈ આવું કહે તો કેવું લાગે ? કવિને કલ્પના કરવાનો અધિકાર તો છે જ. કવિ કલ્પના ના કરી શકે તો ધિક્કાર છે. મીરાંને એવું લાગ્યું હશે કે ‘વાંસળી જેવી સવાર ઊગે ને મોરપીંછ જેવી રાત, મંદિરની બહાર મીરામાધવ ઊજવે છે મધરાત…….’ આ વાંચી સુરેશ જોશીએ ટીકા કરી, જે એમનો અધિકાર હતો. એમણે કહ્યું કે આ કૃષ્ણકાવ્ય થયું ને ? મેં કહ્યું કૃષ્ણકાવ્ય થયું કે નહિ એ મહત્વનું નથી, કાવ્ય થયું ને એ મહત્વનું છે ! મને ઈશ્વરે જે પ્રથમપંક્તિ આપી છે એને હું વફાદાર રહું કે મારા વિવેચકોને વફાદાર રહું કે એ લોકોને શું લાગશે ? એ લોકોને કંઈ લાગતું જ નથી, પહેલી વાત એ જ છે. વિવેચક સહૃદય હોવો જોઈએ. મારા લય ખોટા હોય તો ધ્યાન દોરવાનો અધિકાર છે.’
‘મુંબઈમાં પાર્ટીઓ બહુ થાય. સાડા આઠનો ટાઈમ હોય અને બધા નવ વાગે આવે ! આપણા જેવા વહેલા પહોંચી ગયા હોય. એ લોકો તૈયાર પણ ના હોય. પછી બધા લોકો આવે અને ‘હેપી ટુ સી યુ’ કરે. એમાં સ્ત્રીઓ ત્રાસ આપે અને બેધડક સવાલ પૂછે ‘કવિતા કેમની લખો ?’ એના ગજા પ્રમાણે જવાબ આપું. કોઈક તો અમસ્તા જ પૂછતા હોય તો એને કહું કે ‘પીન્ક કાગળ લઉં, લીલી સહી લઉં, માથે ટકટક હાથ ફેરવું અને હાથમાંથી કવિતા નીકળે !’ મજાની વાત એ કે તે માની પણ જાય ! એક બહેન આવ્યા મને કહે ‘જો જો હોં, મારી પર કવિતા ન લખી નાખતા’ મેં કહ્યું, ‘You are a difficult subject for poetry.’ તારા પર કવિતા લખવી કેવી રીતે લખું ? મા પાવા તે ગઢથી ઊતર્યાં લખું ? બહુ મુશ્કેલીઓ છે. આ બધા પૂછપૂછ કરે એટલે મેં ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન લખે એમ એક કવિતા લખી :
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?
તો લખો….
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે ?
તો લખો….
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે ?
તો લખો….
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે ?
તો લખો….
તમને આંખમાં આવેલા વાદળને નહિં વરસાવતાં આવડે છે ?
તો લખો….
તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે ?
તો લખો….
તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે ?
તો લખો….
તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે ?
તો લખો….
તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
તો લખો….
એક વખત ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો. એક ભાઈ એ મને કહ્યું કે તમારો હાથ બતાવો. જોઈને મને કહે તમને સાક્ષાત્કારનો યોગ છે, ત્યાં જ ટિકિટ ચેકર આવ્યો ! મને થયું ઈશ્વર આવી રીતે આવશે મને ખબર જ નહિ. મારા અને હરીન્દ્રમાં આસમાન-જમીનનો ફેર. કેટલુંક તો એ બોલે તે મને સમજાય જ નહિ. મને એક દિવસ કહે કે થોભો. એટલે હું રસ્તામાં અટકી ગયો. હકીકતે એ મને એમ કહેવા માગતો હતો કે આ પુસ્તક પકડો. એ મને ગઝલો સંભળાવી સંભળાવીને થાકી ગયો પણ મને ગઝલ આવડી નહીં. આ એની નિષ્ફળતા નહીં, પણ મારી સફળતા ! કારણ કે અત્યારની ગઝલો વાંચ્યા પછી એવું લાગે છે કે નથી લખતાં એ સારું જ છે. ટ્રેનમાં પેલા ભાઈએ કહ્યું કે સાક્ષાત્કારનો યોગ છે; એમાંથી મને કવિતા સૂઝી. મેં ઈશ્વરને ચેલેન્જ આપી. હું ભગવાન જોડે પણ માનું છું કે It should be two way traffic and no silence zone. આપણે એકલા જ એની પાછળ હોઈએ અને એ આડું જુએ ને બાડું જુએ એમાં આપણને મજા ના આવે. પછી એ માણસ હોય કે ઈશ્વર હોય કે કોઈ પણ હોય. એટલે મેં ઈશ્વરને કહ્યું :
શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
એને કહો ખોલશો ક્યારે ?
રાહુ ચંદ્રને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;
અમને કાંઈ સમજ નહીં,
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?
તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?
શ્યામ તમે અવ સાચું કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીય થાય ખરું કે નહીં ?
અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીય થાય ખરું કે નહીં ?
શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે
ને કયા જનમમાં સગપણ ફળશે ?
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે ?
મને કૈં કહેશો ક્યારે ?
હરકિસન મહેતા અને અમે બધા ભેગા મળીએ. વાતો કરીએ. એક જણે મને પૂછ્યું કે તમારી અને હરકિસન મહેતાની મૈત્રીનું રહસ્ય શું ? મેં કહ્યું, ‘અમે એકબીજાને નથી વાંચતા તે !’ એ જ મૈત્રીનું રહસ્ય ! હરકિસન ભાઈએ એક વાર પૂછ્યું કે જીવન એટલે શું અને મરણ એટલે શું ? મેં જવાબ આપ્યો કે પાંચ તત્વો ભેગા મળે એ જીવન અને પાંચ તત્વો છૂટા પડે તે મરણ. મરણનો અનુભવ તો કોને ન હોય ? મારા ફાધર ગયા, મધર ગયા, નાનો ભાઈ ગયો, કેટલા બધા મિત્રો અને કેટલી બધી વ્યક્તિઓ ગઈ. હમણાં ઉપરા ઉપરી બે મરણ થયા તો સ્મશાનમાં બીજે દિવસેય ગયો. તો ત્યાં બેઠેલા એક ભાઈ કહે, ‘તમે તો ગઈ કાલે પણ આવેલા ને ?’ જાણે મેં માનતા ના માની હોય કે હું રોજ સ્મશાનમાં આવીશ પછી ઈમેજની ઑફિસમાં જઈશ ! મેં કહ્યું, ‘ગઈ કાલે બીજા માટે આવેલો, આજે પણ બીજા જ ગયા છે, હું કંઈ ગઈકાલવાળા માટે નથી આવ્યો !’ મેં એક મરણનું કાવ્ય લખ્યું : ‘આંખ તો મારી આથમી રહી, કાનના કુવા ખાલી….’ મારી મા મરી ગઈ ત્યારે મારા માસી મને કહે તું કાનમાં કંઈક કહે. આપણને જે જન્મ આપે એને કેમ કરીને કહેવાય કે તું જા ? એટલે મેં મારી માને કહ્યું કે, ‘મા તું રોજ સાંજે મંદિર જાય છે એમ જા ને !’ આમ જુઓ તો ઈશ્વરની બહુ મોટી કૃપા છે કે મરણ છે. તમે વિચાર કરો કે મારા બાપા, એના બાપા, એના બાપા અને વળી એનાય બાપા એ બધા જ જીવતા હોત તો આપણે અહીં અસ્મિતાપર્વમાં આવી જ ન શકતા.’
‘ઘણા લોકો મારો પરિચય આપતાં કહે કે “આ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ છે” – એ તો સારું છે કે આપણે બધાનું માનતા નથી. આપણે તો ભસ્મ પિતામહ હોઈએ ! આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે….’ છેલ્લે, આપ સૌનો આભાર.’

No comments:

Post a Comment