Monday, June 4, 2012

પ્રભુના લાડકવાયા – ગુણવંત શાહ

મારા ગામ રાંદેરથી સાતેક કિલોમીટર દૂર તાપી નદીના ભાઠામાં વરિયાવ ગામ આવેલું છે. વર્ષો પહેલાં ત્યાં ડૉક્ટર કુમારકાંત દિવાનજીનું દવાખાનું ગરીબો માટે સેવાધામ બની ગયું હતું. સફેદ ખાદીના પેન્ટ સાથે સફેદ ખમીસ (ઈન્સર્ટ)માં સજ્જ એવા કુમારકાંતભાઈ સંસારમાં એકલા હતા. આસપાસનાં ગામોમાં એમની સેવાસુગંધ પ્રસરેલી હતી. તેમને ત્યાં નટવર નામનો કમ્પાઉન્ડર પણ હતો અને રસોઈયો પણ એ જ ! હું અને રમણ 1957માં ભૂદાન-પદયાત્રામાં ડૉક્ટરને ત્યાં રહીને આસપાસનાં ગામોમાં પ્રચાર માટે જતા. ડૉક્ટરની સારવાર પામેલા કેટલાય લોકો આજે પણ એ ગામોમાં જીવતા હશે. દાંડી પાસે આવેલા કરાડી ગામે સેવાની ધૂણી ધખાવીને બેઠેલા જાણીતા લોકસેવક સદગત દિલખુશભાઈ દિવાનજીના તેઓ નાના ભાઈ થાય. ડૉ. કુમારકાંત લોકસેવકના ગણવેશ વિનાના ગાંધીજન હતા. સેવાભિમાન વિનાની સેવા અને સહજને કિનારે ચાલતું જીવન !
ગામના તળાવમાં જ્યારે નાનું ઢેફું ફેંકવામાં આવે ત્યારે પાણીની સપાટી પર કૂંડાળાં સર્જાય છે. ધીરે ધીરે એ કૂંડાળાં મોટાં ને મોટાં થતાં જાય છે અને આખા તળાવમાં વ્યાપી વળે છે. મોટાં કૂંડાળાં દેખાતાં નથી, પરંતુ એમનું પ્રસારણ અટકતું નથી. આપણા દ્વારા થતું નાનકડું કર્મ પણ લગભગ એ જ રીતે જે વલયો સર્જે એ પ્રસરે છે. બધું દેખાતું નથી, પરંતુ જે ન દેખાય એ નથી, એમ કહેવાનું યોગ્ય નથી. કહેવું હોય તો કહી શકાય કે સમગ્ર વિશ્વ સતત થતાં રહેતાં કર્મોનું વિરાટ નેટવર્ક છે. કરોળિયાના જાળા જેવા એ નેટવર્કમાં વ્યવસ્થા છે, ગોટાળો નથી. It is cosmos and not chaos. લોકો વાતવાતમાં જેને નિયતિ (destiny) કહે છે એ રામને પણ છોડતી નથી. જે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે એમણે ચૌદ વર્ષ માટે વનની વાટ પકડી હતી. કોઈ પણ કર્મ પરિણામ વિનાનું (ઈનકૉન્સિક્વેન્શિયલ) હોય છે ખરું ? કર્મનો કાયદો એમ કહે છે કે જ્યાં કર્મ હોય ત્યાં એનું પરિણામ હોવાનું જ. આ સૃષ્ટિમાં કારણ (cause) અને અસર (effect)ની અતૂટ સાંકળ (ચેઈન રીએકશન) સતત ચાલ્યા જ કરે છે. જેવું કર્મ એવું એનું પરિણામ !

નાના હતા ત્યારે એક કથા સાંભળી હતી. એક વાર યમરાજા ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં ગયા. પ્રવેશદ્વારની જમણી બાજુએ ગરુડ પર એમની નજર પડી. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન ગણાય છે. એ પ્રવેશદ્વારની ડાબી બાજુએ યમરાજે એક ચકલીને જોઈ ત્યારે એમને ભારે આશ્ચર્ય થયું. યમરાજ તો અંદર ગયા, પરંતુ ચકલી ભયથી ફફડી ઊઠી. ચકલીને થયું કે યમરાજે જે રીતે આશ્ચર્ય પ્રગટ કર્યું એ જોતાં હવે મૃત્યુ દૂર નથી. પાસે ઊભેલા ગરુડે ચકલીને ભયથી ધ્રૂજતી જોઈ. ગરુડે ચકલીને આશ્વાસન આપ્યું અને કહ્યું : ‘તું ચિંતા ન કર. હું પવનની ઝડપે ઊડીને તને આ જ ક્ષણે મારી પીઠ પર બેસાડીને દૂર દૂર આવેલા ગંધમાદન પર્વત પર મૂકી દઉં છું.’ ચકલીબહેન તો ગંદમાદન પર્વત પર પહોંચી ગયાં અને એમને પહોંચાડીને ગરુડ તો તરત પાછું વૈકુંઠ આવી પણ ગયું ! ગરુડે પોતે જે કર્યું એ બદલ અંદરથી બહુ ખુશ હતું. યમરાજ જ્યારે વિષ્ણુ ભગવાનને મળીને પાછા ફર્યા ત્યારે એમણે ગરુડને પૂછ્યું : ‘પેલી ચકલી ક્યાં છે ?’ ગરુડે કહ્યું કે ચકલી તો ખૂબ દૂર પહોંચી ગઈ છે.’ યમરાજ વિચારમાં પડી ગયા. વિષ્ણુ ભગવાનની લીલા કેવી રહસ્યમય છે ! એમણે ગરુડને કહ્યું : ‘અંદર જતી વખતે મેં ચકલીને અહીં જોઈ ત્યારે મને ભારે આશ્ચર્ય થયેલું કે આ ચકલી તો ગંધમાદન પર્વત પર સમડીને હાથે મરવાની છે. એ ત્યાં આટલી ઝડપથી શી રીતે પહોંચશે ? નિયતિ જ એને ગંધમાદન પર્વત પર લઈ ગઈ !’
ઘોડાની પાછળ ગાડી હોય તો જ ઘોડાગાડી ચાલે. પુરુષાર્થ કર્યા પછી નિયતિ પ્રમાણે જે થવાનું હોય તે થાય, પરંતુ કર્મ કરવામાં કરકસર ન ચાલે. ઘોડાની આગળ ગાડી મૂકવાથી કશુંય ન વળે. ખરો રસ્તો એક જ છે : ‘નેકી કર ઔર દરિયા મેં ડાલ.’
જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનું છે. કોઈ અકળ મહાસત્તા તરફથી મળેલી મૂલ્યવાન ભેટનું નામ જીવન છે. દુઃખ અને સુખ ઓચિંતાં આવી પહોંચે છે. સુખ અને દુઃખ બંનેનો જીવનમાં સ્વીકાર છે, પરંતુ એથી સુખી થવાનો પ્રયત્ન છોડવા જેવો નથી. સુખી થવું એ પ્રત્યેક મનુષ્યનો અધિકાર છે. જીવનમાં મનુષ્યને સૌથી વધારે આનંદ ક્યારે મળે ? જ્યારે જ્યારે માણસ બીજા માટે ઘસાઈ છૂટે ત્યારે તે સુખની ટોચ પર હોય છે. કર્મના કાયદામાં આપણી ચાંચ ભલે ન ડૂબે, પરંતુ પરાયા મનુષ્ય માટે કશુંક કરી છૂટવામાં જે પરિતોષ પ્રાપ્ત થાય એમાં જ આપણો ખરો સ્વાર્થ રહેલો છે. સ્વાર્થ એટલે શું ? ‘સ્વ’નો અર્થ સમજાય એ જ ખરો સ્વાર્થ !
[2] ખરી પડેલા પુષ્પની સુગંધ
કલ્પના તો કરી જુઓ ! એક યુવાન ભણવામાં અત્યંત તેજસ્વી હોય તોય વિનમ્ર અને વિનયી હોય. એ યુવાન હોનહાર વિજ્ઞાની હોય તોય કૃષ્ણભક્તિમાં તરબોળ હોય. એ યુવાન અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોય તોય એને ગુજરાતી ભાષામાં લખવા-વાંચવા-બોલવાની સારી ફાવટ હોય. એ યુવાન ઉચ્ચ શિક્ષણમાં પરદેશી સંસ્થામાં વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવામાં પરોવાયો હોય તોય વારંવાર માતા-પિતાને, મિત્રોને અને સ્વજનોને એવા સુંદર પત્ર લખતો હોય, જેમાં એનાં વાચન-મનનનો નિચોડ હોય. એ હોનહાર યુવાન કાર અકસ્માતમાં ઈટલીમાં મૃત્યુ પામે ત્યારે એનાં માતા-પિતા પર શું વીતે ?
નામ એનું ડૉ. જાતુષ શેઠ, પરંતુ પ્રેમથી સ્વજનો એને જિગર કહીને સંબોધતા. એણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં એમ.એસ.સી. કર્યું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી જિગરે પુણેના ‘ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ માં પી.એચ.ડી. કર્યું. પુણેમાં અભ્યાસ કરતી વખતે એ પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. જયંત નારળીકરના સંપર્કમાં પણ આવ્યો હતો. પુણેથી જિગર જર્મની ખાતે ‘મૅક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રણ વર્ષની ફેલોશિપ મેળવીને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવવા પહોંચી જાય છે. માત્ર દોઢ જ મહિનો વીતે ત્યાં મ્યુનિકથી ઈટલી ફરવા માટે સરૈયા નામના મિત્રને સાથે જાય છે અને રોમથી થોડે દૂર કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે. એક ઊંચેરો જીવ અવકાશયાત્રાએ નીકળી પડે છે !
જિગર (સંસ્કારી પરિવારમાં : માતા વીણાબહેન, પિતા વિપિનભાઈ અને બંધુ હૃદયરોગના નિષ્ણાત ડૉ. ચિરાગ શેઠ – ફોન : 0261-3535894) મગજ અને મનથી વિજ્ઞાની હતો, પરંતુ હૃદયથી ભીનો કૃષ્ણભક્ત હતો. એને ક.મા. મુનશીએ લખેલ ગ્રંથ ‘કૃષ્ણાવતાર’ પ્રિય હતો અને ત્યાર પછીના ક્રમે મારો ગ્રંથ ‘કૃષ્ણનું જીવનસંગીત’ પણ એટલો જ પ્રિય હતો. એ સ્વજનોને અને મિત્રોને પત્ર લખતો ત્યારે અંતે કાયમ લખતો : ‘કૃષ્ણાર્પણમસ્તુ.’ એક પત્રમાં એ લખે છે :
અંધકાર આપણો વર્તમાન છે
અને પ્રકાશ આપણું શમણું !
આ તો ક્ષણનું તપ છે.
દુઃખી હો ત્યારે બીજાનાં
દુઃખના ટોપલા થોડા ઊંચકો
તો તમને આનંદ થાય.
કોઈ પુષ્પ પૂરેપૂરું ખીલતાં પહેલાં જ ખરી પડે ત્યારે માળીને પ્રશ્ન થાય છે : ‘આ પુષ્પ અકાળે ખરી પડ્યું એનું કારણ શું ?’ લૅન્સેલોટ એલિફન્ટે એક બાળકની કબર પર લખાયેલા મૃત્યુલેખ (એપિટાફ)ના શબ્દો ટાંક્યા છે :
‘આ પુષ્પને કોણે ચૂંટ્યું ?’ માળીએ પૂછ્યું.
‘મેં એને મારા માટે ચૂંટ્યું છે.’ માલિકે કહ્યું.
અને માળીએ મૌન સેવ્યું !
જિગરનું મૃત્યુ એવા સમયે થયું, જ્યારે એ પોતાનામાં પડેલી શક્યતાને વાસ્તવિકતામાં ફેરવવાની સાધના કરી રહ્યો હતો. એનામાં અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરવાની બધી જ સામગ્રી હતી. જર્મનીની સંસ્થામાં આ વિષયમાં સંશોધન કરનારો એ એકમાત્ર એશિયન હતો. જો જિગર બીજાં દસ વર્ષ સુધી જીવ્યો હોત તો એણે કદાચ પોતાના વિષયમાં નૉબેલ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું હોત ! ખરી પડેલા પુષ્પની સુગંધનો પરચો એ પુષ્પની સમીપ પહોંચેલા મનુષ્યોને મળતો રહે છે. મને મારા પ્રિય વાચકને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થયું. હું જિગરને કદી પણ મળ્યો ન હતો. અત્યારે મારા હાથમાં ‘ડૂબેલા સૂરજનું અજવાળું’ પુસ્તક છે. એમાં જિગરે લખેલા પત્રોના એવા અંશો પ્રગટ થયા છે, જે વાંચીને હૈયું રડી ઊઠે છે. એ પત્રોમાં બ્રહ્માંડના રહસ્યને સમજવા મથનારા એક વિજ્ઞાનીની અધ્યાત્મદષ્ટિ પણ પ્રગટ થતી દીસે છે. આ પુસ્તક વાંચ્યું ત્યારે એક એવા સહૃદય વાચકને ગુમાવી બેઠાનું દુઃખ થયું, જે હવે ક્યારેય મળવાનો નથી. લેખકને અંદરથી ગૌરવનો અનુભવ થાય એવા સુજ્ઞ વાચકો કેટલા ? વિજ્ઞાનના અભ્યાસ સાથે ઉપનિષદ, ગીતા અને કૃષ્ણના પ્રેમમાં પડે એવા વિજ્ઞાની કેટલા ?
પ્રભુને કદાચ બધાં જ સંતાનો ગમે છે, પરંતુ કેટલાંક સંતાન પ્રભુનાં ખાસ લાડકાં હોય એમ બને. માણસે જીવનમાં બીજું કશું નથી કરવાનું. એણે કશીક એવી ધાડ મારવી જોઈએ, જેથી પોતે પ્રભુના લાડ પામે. આઈન્સ્ટાઈન મહાન વિજ્ઞાની હતો, પરંતુ અંદરથી ઈશ્વરનો ભક્ત હતો. આવું જ ન્યુટન માટે પણ કહી શકાય. આવું જ નારળીકર અને પંકજ જોશી માટે પણ કહી શકાય. બ્રહ્માંડ એક વિરાટ રહસ્ય છે. વિજ્ઞાનને બ્રહ્માંડની વિગતોમાં રસ છે. અધ્યાત્મને સૃષ્ટિમાં સર્વત્ર સંતાયેલા સર્જનહારને સમજવામાં રસ છે. આપણને બંનેની જરૂર છે.

No comments:

Post a Comment