હોલિવુડની મસાલા ફિલ્મોને ટક્કર મારે એવા ઘટનાક્રમમાં, ૪૦ વર્ષના અંધ
કર્મશીલ ચેન ગ્વાંગચેંગ ચીની સરકારના લોખંડી ચોકીપહેરાને અંધારામાં રાખીને
નાસી છૂટવામાં સફળ થયા. તેમના સાહસથી ચીનનું નાક કપાઇ ગયું ને દુનિયાની
આંખો ઉઘડી ગઇ
 |
ચેન ગ્વાંગચેંગ /chen guangcheng with his wife |
ઇશ્વરની કૃપા થાય તો પંગુ પર્વત ઓળંગી શકે ને મૂંગા બોલતા થઇ જાય, એવો
જાણીતો શ્વ્લોક છે. પરંતુ બધાને ઇશ્વરની કૃપા માટે રાહ જોઇને બેસી રહેવાનું
મંજૂર હોતું નથી. પોતાના મરણીયા પ્રયાસ અને ઇશ્વરની કૃપા વચ્ચે તેમને મન
કશો ફરક હોતો નથી. ચીનના, હવે વિશ્વવિખ્યાત કર્મશીલ, ચેન ગ્વાંગચેંગ/Chen
Guangcheng એનું તાજું ઉદાહરણ છે.
‘માનવ અધિકારવાદી’ અને ‘કર્મશીલ’ જેવા શબ્દોની- તેની સાથે સંકળાયેલી
કામગીરીની તમામ આપખુદ શાસકોને અને તેમનાં વાજિંત્રોને એકસરખી એલર્જી હોય
છે- એ વાત ચાહે ગુજરાતની હોય કે ચીનની. ગુજરાત ભારતમાં હોવાને કારણે,
રાજ્યની ઘણી લોકશાહી સંસ્થાઓને સરકારે પંગુ બનાવી દીધા પછી પણ, મૂળભૂત
લોકશાહી તેનાં મૂળીયાં સહિત અડીખમ છે. એ બાબતમાં ચીનનો ઇતિહાસ અને વર્તમાન
ભયંકર છે. સામ્યવાદી પક્ષના એકહથ્થુ, એકપક્ષીય શાસનમાં સરકારની સેન્સરશીપ
અને તેની ધાક એવાં મજબૂત છે કે તેમની ઇચ્છા વિના પાંદડું પણ હાલી ન શકે.
વાસ્તવિક દુનિયાની વાત તો છોડો, ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ ચીનની
સરકારનું મોટું ગળણું ઇચ્છે એટલી જ માહિતી લોકો સુધી પહોંચે. પરંતુ આ વર્ષે
ચીનની સરકારની હાલત, ‘શોલે’માં ‘અંગ્રેજકે જમાનેકે જેલર’ અસરાની જેવી થઇઃ
‘અમારી ઇચ્છા વિના પારેવું પણ ફરકી શકતું નથી’ એવો સરકારનો ફાંકો એક
પ્રજ્ઞાચક્ષુ વિદ્રોહી ચેને ઘૂળચાટતો કરી દીધો.
ચેન ગ્વાંગચેંગને ખરેખર તો વિદ્રોહી પણ ન કહેવાય. નાનપણથી દૃષ્ટિ ગુમાવી
ચૂકેલા ચેને મોટી ઉંમરે, બાકાયદા નહીં પણ અનૌપચારિક રીતે, કાયદાનું શિક્ષણ
મેળવ્યું હતું. ત્યારે ‘શારીરિક મર્યાદા ઓળંગીને નમૂનેદાર જીવન જીવનાર
યુવાન’ તરીકે સ્થાનિક પ્રસાર માઘ્યમોમાં તેમની પ્રશંસા થતી હતી. પરંતુ
કાયદો શીખવા પાછળનો ચેનનો હેતુ ડિગ્રી મેળવીને બેસી રહેવાનો ન હતો. તેમણે
સરકારી તંત્રની આપખુદશાહી વિરુદ્ધ સ્થાનિક પ્રજાની ફરિયાદો પર કામ શરૂ
કર્યું. તેમણે પોતાના વતન શેન્દોંગ પ્રાંતમાં કુટુંબ નિયોજનના બહાને થતા
અત્યાચારો સામે ઝુંબેશ ઉપાડી.
એક સમયે ચીની સરકારે પરિવારદીઠ એક સંતાનની રાષ્ટ્રિય નીતિ જાહેર કરી હતી.
પરંતુ ચેને કામ શરૂ કર્યું ત્યારે કાયદામાં એવી જોગવાઇ હતી કે કોઇ પરિવાર
ઇચ્છે તો ઠરાવેલો દંડ ભરીને તે બીજું સંતાન મેળવી શકે. ચેનની લડત બીજી કોઇ
ક્રાંતિકારી માગણી માટે નહીં, પણ આ કાયદાનું યથાયોગ્ય પાલન થાય એટલા પૂરતી જ
હતી. પરંતુ ચીનમાં ગમે તેવા કાયદેસર હેતુ માટે, સરકારી તંત્ર સામે અવાજ
ઉઠાવવો એટલે આફતને નોતરું આપવા બરાબર ગણાય. ચેને પોતાના માટે એવાં
આમંત્રણોની હારમાળા સર્જી દીધી.
શેન્દોંગ પ્રાંતના અધિકારીઓ સ્થાનિક મહિલાઓનો પરાણે ગર્ભપાત કરી નાખતા કે
તેમની પર કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી નાખતા. દંડ ભરીને બીજું સંતાન મેળવી
શકવાનો કાયદો હોવા છતાં, આ જબરદસ્તીનું કારણ એટલું જ કે જે પ્રાંતમાં
પરિવારદીઠ એકથી વઘુ સંતાનોનું પ્રમાણ વધારે દેખાય, ત્યાંના અધિકારીઓ તેમના
ઉપરીઓની નજરમાંથી ઉતરી જતા હતા. તેમની બઢતીની તકો રોળાઇ જતી હતી. એટલે
પોતાનો ચોપડો ઉજળો બતાવવા માટે તે બળજબરીથી મહિલાઓને ઓપરેશન કે ગર્ભપાત
માટે ધકેલી દેતા. ચેને આ જોરજુલમી સામે કાનૂની લડત આદરી.
વિરોધથી ન ટેવાયેલા સરકારી તંત્રે ૨૦૦૫માં પહેલી વાર ચેનની ધરપકડ કરી.
તેમની સામે અદાલતી કાર્યવાહી થઇ અને ‘ટ્રાફિકને ખલેલ પહોંચાડવા બદલ’ તથા
‘સંપત્તિના નુકસાન’ જેવા બનાવટી આરોપો માટે ચેનને ચાર વર્ષની સજા થઇ.
૨૦૧૦માં સજા કાપીને બહાર આવ્યા પછી પણ ચેનને નજરકેદમાં રાખવામાં આવ્યા.
દરમિયાન, માનવ અધિકાર ક્ષેત્રે કામ કરનાર પ્રજ્ઞાચક્ષુ બહાદુર તરીકે ચેન
ગ્વાંગચેંગનું નામ પશ્ચિમી દેશોમાં જાણીતું બની ચૂક્યું હતું.
આખરે એપ્રિલ ૨૨, ૨૦૧૨ના રોજ ચેને એવું પરાક્રમ કરી દેખાડ્યું, જેના વિસ્તૃત
ઘટનાક્રમનો તાળો પૂરેપૂરો તો હજુ સુધી મળ્યો નથી, પણ જે બન્યું તેની ‘આઇસન
અફેર્સ’ના પત્રકારે મેળવેલી વિગતો ટૂંકમાં આ પ્રમાણે ઃ પત્નીની મદદથી
દીવાલ કૂદીને ચેન બાજુના ઘરના વાડામાં પહોંચી ગયા. કેટલાક અહેવાલ પ્રમાણે આ
કામ ચેને ૨૦ એપ્રિલના દિવસે જ પાર પાડી દીઘું હતું. રાત પડ્યા પછી તે
અથડાતા કૂટાતા પોતાના ગામમાં થઇને નદી સુધી પહોંચ્યા. આંખોમાં કાયમ અંધારું
ઉતરેલું હોય એવા ચેનને બહારના અંધારાથી કશો ફરક પડતો ન હતો. ઉલટું, એ
તેમના માટે ફાયદાકારક નીવડ્યું. કારણ કે અંધારામાં પહેરેદારોની દૃષ્ટિ
મર્યાદિત બની. એ થોડા ગાફેલ પણ હશે.
ચેને પહેલાં નદી ઓળંગવાનો પ્રયાસ કર્યો, પણ નદી ઘણી મોટી હતી. એટલે તેમણે
પુલ પરથી ચાલીને નદી પાર કરી. પુલ પર પહેરેદારો હોવા જોઇએ, પણ એ ત્યાં ન
હતા અથવા ઉંઘી ગયા હતા. પરિણામે, સેંકડો વાર ઠેસઠોકર ખાતા, અથડાતાકૂટાતા
ઘાયલ ચેન પુલ ઓળંગીને બીજા ગામ પહોંચી ગયા. ઘરની દીવાલ કૂદતી વખતે ચેનનો પગ
ભાંગ્યો હતો. ત્યાર પછી આ સફર ખેડવામાં ચેને કેવા મક્કમ મનોબળથી કામ લીઘું
હશે તેની કલ્પના જ કરવી રહી.
બીજા ગામમાં એક મિત્રને મળ્યા પછી, ત્યાંથી ચેનના ભાઇ-ભાભીનો સંપર્ક
કરવામાં આવ્યો. એ સૌએ મળીને પાટનગર બેજિંગમાં કેટલાક શુભેચ્છકો-મદદગાર
મિત્રો સાથે વાત કરી અને ચેનને આશરે ૫૦૦ કિલોમીટર દૂર બેજિંગમાં આવેલા
અમેરિકી દૂતાવાસમાં સહીસલામત પહોંચાડ્યા. બે મહિના પહેલાં જ, ચીનના એક મોટા
નેતા સાથે સાંઠગાંઠ ધરાવતા અને પછીથી અલગ પડેલા પોલીસ અફસર અમેરિકી
દૂતાવાસમાં આશ્રય માટે પહોંચ્યા હતા. તેમને અમેરિકાએ સંઘર્યા ન હતા. પણ
ચેનનો કિસ્સો અલગ હતો. ૨૮ એપ્રિલના રોજ ત્યાં પહોંચેલા ચેનને, ચીનની જુલમી
સરકારથી સલામત એવા અમેરિકાના કિલ્લેબંધ દૂતાવાસમાં સમાવી લેવાયા.
શરૂઆતમાં ચેનનું વલણ એવું હતું કે ચીની સરકાર પાસેથી અમુક પ્રકારની ખાતરી
મેળવ્યા પછી ચીનમાં જ રહેવું અને લડત આગળ ચલાવવી. પરંતુ બીજી મેના રોજ
તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એ દરમયાન અમેરિકાનાં વિદેશ
મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ માટે ચીન જવાનાં હતાં. તેમના પ્રવાસના
હેતુ આર્થિક સહિત બીજી બાબતોને લગતી વાટાઘાટોના હતા. પરંતુ તેમની મુલાકાત
વખતે ચેનનો મુદ્દો છવાયેલો રહ્યો.
શરૂઆતમાં ‘આંતરિક બાબતોમાં દખલ’ના મુદ્દે ચીન અમેરિકાથી ખૂબ નારાજ હતું.
તેના વિદેશમંત્રીએ એક તબક્કે અમેરિકા પાસેથી માફીની માગણી કરી હતી. પરંતુ
હિલેરી ક્લિન્ટનની મુલાકાત પછી એવો વચલો રસ્તો નીકળ્યો કે અમેરિકાની
ન્યૂયોર્ક યુનિવર્સિટી ચેનને કાયદાના અભ્યાસ માટે ફેલોશીપ આપે અને એ હેતુ
આગળ કરીને ચેન, દેશ છોડી જતા વિદ્રોહી તરીકે નહીં, પણ ચીની સરકારની
પરવાનગીથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીની હેસિયતથી, અમેરિકા જાય.
આ રાજદ્વારી સમાધાન મુજબ ચેન પત્ની-બે બાળકો સાથે અમેરિકા પહોંચી ગયા છે,
પરંતુ તેમના પરિવારના બીજા સભ્યો ચીનમાં જ છે. તેમની સાથે અને ચેનને નાસી
છૂટવામાં મદદ કરનાર બીજા સાથીદારો સાથે ચીની સરકાર કેવો વર્તાવ કરશે, તે
જાણવું અઘરું છે. આખા ચેન પ્રકરણ અંગે ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા
શીનહ્વાએ ૧૯ મેના રોજ ફક્ત એક જ લીટીનો અહેવાલ જારી કર્યો. તેમાં જણાવ્યું
છે કે ‘સંબંધિત વિભાગોમાંથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વી ચીનના શેન્દોંગ
પ્રાંતના ચેન ગ્વાંગચેંગે કાનૂની રાહે અમેરિકામાં અભ્યાસ માટે અરજી કરી
છે.’
અભ્યાસ પૂરો કર્યા પછી ચીન પાછા ફરવા ઇચ્છતા ચેનની ઇચ્છા પૂરી થશે કે તે
દેશની બહાર રહેતા વઘુ એક વિદ્રોહી નાગરિક બનીને રહી જશે, તે અત્યારે કહેવું
અઘરું છે, પણ શારીરિક મર્યાદા અવગણીને ચેને લીધેલા હિંમતભર્યા પગલાથી
ચીનમાં નવી હલચલ પેદા થઇ છે અને ચીની સરકાર વઘુ એક વાર કામચલાઉ ધોરણે કફોડી
સ્થિતિમાં મૂકાઇ છે.
તા.ક. ચેન વિશેનાં કેટલાંક સરસ કાર્ટૂન, સંબંધિત કાર્ટૂનિસ્ટો-પ્રકાશનોના સૌજન્યથી
 |
માનવ અધિકાર વિશે ચીની સરકારની 'દૃષ્ટિ' તપાસતા પ્રજ્ઞાચક્ષુ ચેન |
 |
નાજુક સંતુલન |
 |
ચેનનું અમેરિકાગમનઃ ચીનની દૃષ્ટિએ |
 |
ખતરો હજુ દૂર થયો નથી |
અને દૃશ્યાત્મક આલેખનની દૃષ્ટિએ મારું સૌથી પ્રિય